માંડલ તાલુકાના વિઠલાપુર વિસ્તારમાં શુક્રવારે બપોરે બનેલી દુર્ઘટનામાં હાંસલપુર ગામના એક યુવાનનું કરંટ લાગતાં કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાનને પણ કરંટ લાગતાં સારવાર માટે નજીકની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિઠલાપુર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર હાંસલપુર ગામના 31 વર્ષીય સંજયકુમાર ઉર્ફે લાલભાઈ રમેશભાઈ પટેલ તથા દિપકભાઈ બળદેવભાઈ પટેલ એક્ટીવા ઉપર જાહેરાતનું લોખંડનું બોર્ડ લઈને વિઠલાપુરની જી.આઈ.ડી.સી વિસ્તારમાં જઈ રહ્યાં હતાં. જેમાં દિપકભાઈ એક્ટીવા ચલાવી રહ્યાં હતાં અને પાછળ લોખંડનું બોર્ડ પકડીને સંજયભાઈ બેઠાં હતાં.

જે દરમ્યાન વિઠલાપુર પાસેના આજ કોમ્પ્લેક્ષ નજીક પહોંચતા લોખંડનું બોર્ડ રોડ ઉપરથી પસાર થતાં વીજ તારને સ્પર્શ થઈ જતાં બંનેને કરંટ લાગતાં બંને યુવકો એક્ટીવા પરથી નીચે પટકાઈને બેભાન હાલતમાં પડયાં હતાં. આ અકસ્માતની ઘટના બનતાં આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયેલ અને વિઠલાપુર પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. બંને યુવકોને ગંભીર કરંટ લાગ્યો હોવાનું માલુમ જણાતાં તાત્કાલિક નજીકની 108 એમ્બ્યુલન્સ ટીમ મારફતે નજીકની સીતાપુર સ્થિત ઝાયડસ હોસ્પિટલ લઈ ગયેલ જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે સંજયકુમાર ઉર્ફે લાલભાઈ પટેલ (હાંસલપુર)ને મૃત જાહેર કર્યા હતાં અને દીપકભાઈ પટેલની વધુ સારવાર હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગે વિઠલાપુર પોલીસે અકસ્માતની એડી નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.