અમદાવાદ જિલ્લાકક્ષાના 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો સમારોહ તાલુકા મથક માંડલ ખાતે આન,બાન અને શાનથી ગર્વભેર યોજાયો. આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન, સલામી તેમજ પરેડ નિરીક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, ઈનામ વિતરણ મહોત્સવ અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયાં હતાં. 

15મી ઓગસ્ટની સવારે માંડલ ખાતે આવેલ કોટન જીન સમારોહ સ્થળે મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ધ્વજવંદન અને સલામી સાથે રાષ્ટ્રગાન કરાયું હતું. તેમજ સમારોહમાં પણ વંદે માતરમના સુરો ગુંજી ઉઠયાં હતાં. મંત્રી દ્વારા પોલીસ પરેડનું નીરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ તાલુકામાં વિકાસકાર્યો માટે રૂ. 25 લાખની રકમનો ચેક કલેક્ટર ભવ્ય વર્માને અર્પણ કરાયો હતો. સમારોહમાં માંડલ અને આસપાસની શાળાઓના વિદ્યાર્થીઓના અનેક ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી હતી. કાર્યક્રમના અંતે અમદાવાદ ગ્રામ્યના વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલાં વિદ્યાર્થી-યુવાનોને મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માનપત્ર અને ઈનામ વિતરણ કર્યાં હતાં. જિલ્લામાં વિશેષ પ્રતિભાઓ ધરાવનાર કર્મયોગીઓ, રમતવીરો તેમજ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ વડા સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની શ્રોષ્ઠ ફરજ બદલ પ્રસશ્તિ પત્ર અપાયાં હતા. માંડલ સહિત તાલુકાના આરોગ્ય,શિક્ષણ,108,પોલીસ જવાનો, પર્યાવરણ વિભાગ, એસ.ઓ.જી, એલ.સી.બી અને કમાન્ડરો તથા તાલુકા-મામલતદાર કચેરીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓના પણ પ્રસશ્તિ પત્ર આપીને સન્માનિત કરાયાં હતાં. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, એસપી ઓમ પ્રકાશ જાટ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, વિરમગામ પ્રાંત તેમજ દરેક તાલુકામાંથી તાલુકા વિકાસ અધિકારીઓ, વિસ્તારના ધારાસભ્ય, મામલતદાર સહિત સંપુર્ણ વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું.