અમદાવાદ જિલ્લામાં માંડલ તાલુકાના ખેડૂતોએ તા.25મીને બુધવારે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ.(જેટકો)ની બાંધકામ પેટા વિભાગીય કચેરી હાંસલપુર (વિરમગામ) ખાતે નાયબ ઈજનેરને લેખિત આવેદનપત્ર સુપરત કરીને હાલ ગ્રામ્ય સીમ વિસ્તારોમાં એંદલા ફીડરથી પસાર થતી 66 કેવી લાઈનના વીજ વાયરો નાખવાની કામગીરી હાલના સમયે મોકુફ રાખવાની માંગ કરી છે. વિરમગામ પ્રાંત અધિકારીને પણ આ બાબતે લેખિત રજૂઆત કરાઈ હતી. માંડલ તાલુકાના રીબડી સીમ વિસ્તારના ખેડૂતો સહિત આસપાસના સોલગામ, ભરતપુર, શેર, રખીયાણા સહિતના ગામોના ખેડૂતોએ વિરમગામ જેટકોની કચેરી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. જેમાં જણાવ્યાં અનુસાર, 66 કે.વી. વીજપ્રવહન લાઈનની કામગીરી કે વીજ માળખાના વિકાસ સાથે તેમનો વિરોધ નથી. જાહેર હિત માટે થતી આ કામગીરીમાં ખેડુતો સંપુર્ણપણે સહકાર આપવાની તૈયારીમાં જ છે. પરંતુ હાલમાં વાયરો ખેંચવાની જે કામગીરી હાથ ધરવામાં આવનાર છે જે હાલ શિયાળુ પાકની સીઝન ચાલી રહી છે અને માંડલ ગ્રામ્યના સીમમાં હાલ ખેડૂતો રાતદિવસ ખેતીમાં મહેનત કરે છે, ગત વર્ષે ચોમાસાની સીઝન નિષ્ફળ ગયાં પછી આ બીજી સીઝન ખેડૂતો માટે સારી જશે તો નવું વર્ષ સારું જાય એવી ખેડૂતોને આશા બંધાઈ છે. ત્યારે વીજ વાયરો નવા નાખવાની કામગીરી હાલ શિયાળુ સીઝનની ખેતી પુર્ણ ના થાય, ખેતીમાં કાપણી પુર્ણ થાય ત્યાં સુધી મોકુફ રાખવાની માંગ કરી છે. જો જેટકો દ્વારા 66 કે.વી.લાઈનના વાયરો ખેંચવાની કામગીરી હાથ ધરવામાં આવશે તો ખેતરોમાં ઉભાં પાકને નુકશાન થશે, તેના પરિણામે ખેડુતોને સતત બીજા વર્ષે પણ મોટું આર્થિક નુકશાન ભોગવવું પડે અને તેની અસર સીધી તેમના પરિવારના ભરણપોષણ ઉપર પડશે તેવું પણ ખેડૂતોએ જણાવ્યું છે.
