વિશ્વ મચ્છર દિવસની ઉજવણી અંતર્ગત માંડલની ઇન્દિરા નગર પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને IEC(માહિતી, શિક્ષણ અને સંચાર) પ્રવૃત્તિના માધ્યમથી મચ્છરજન્ય રોગો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ-મેલેરિયાના કારણો, મચ્છરના ઉત્પત્તિ સ્થળો તેમજ રોગોથી બચવા માટે રાખવાની જરૂરી સાવચેતી અંગે સમજાવવામાં આવ્યું હતું. ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે તકેદારી રાખવી, પાણીના પાત્રોને ઢાંકીને રાખવા, કૂલર સહિતના પાણીના પાત્રોની નિયમિત સફાઈ કરવી અને મચ્છરથી બચવાના ઉપાયો અપનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર વિષ્ણુભાઈ ઉપાધ્યાય, MPHS પ્રવિણભાઈ પટેલ, MPHW ભરતભાઈ જાદવ તથા MPHW ચમનભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય કર્મચારીઓએ વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગોના લક્ષણો અને તેના નિવારણ અંગે જરૂરી આરોગ્યલક્ષી માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને માત્ર પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા જ નહીં, પરંતુ પરિવારજનો તથા આસપાસના લોકોમાં પણ મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો