માંડલ : માંડલ - દેત્રોજ, વિરમગામ સહિત તાલુકા ગ્રામ્ય વિસ્તારોના શુક્રવારે બપોરના 3 કલાકના સુમારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગ્રામ્યના વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ખાબક્યો, વિઠલાપુર હાઇવે રોડ ઉપરના હાંસલપુર, સીતાપુર અને વિઠલાપુર તેમજ અન્ય ગામોમાં વરસાદ ખાબક્યો ત્યારે બીજીબાજુ એંદલા રોડ ઉપરના ટ્રેન્ટ-નાનાઉભડા અને રખિયાણા, શેર સહિતના ભાગોમાં પણ વરસાદ પડયો હતો. માંડલ નગરમાં બપોરે 3 વાગ્યા બાદ આકાશી માહોલ બદલાયો અને કાળું ડિબાંગ વાતાવરણ ઉભું થયું, થોડીવાર ધીમીધારે અને ત્યારબાદ મોડી સાંજ સુધી વરસાદ વરસતો રહ્યો. વહીવટી તંત્ર, મામલતદાર કચેરી દ્વારા જળપ્રલય-2ની સંભાવનાઓ ને લઈ અગમચેતીના ભાગરૂપે નાગરિકોને આગામી 48 કલાક ઘરે રહેવા જ અપીલ કરી, પુર જેવી સ્થિતિ સામે લડવા કવાયત હાથ ધરાઈ-કંટ્રોલરૂમમાં અધિકારી, સ્ટાફ્ તૈનાત જોવા મળ્યો હતો.
