દેત્રોજ ગામમાં છેલ્લા બે મહિનાથી સર્જાયેલી ગટર સમસ્યાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ગામના અનેક વિસ્તારોમાં ગટર લાઈનો ઉભરાતા ગંદુ પાણી જાહેર માર્ગો, ચોકડીઓ અને રહેણાંક વિસ્તારોમાં ભરાઈ રહે છે. જેના કારણે લોકો દુર્ગંધ, ગંદકી અને રોગચાળાના ભય વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. તેમજ આગામી દિવસોમાં ચોમાસુ જામશે ત્યારે નર્કાગારની સ્થિતિ વધુ બદતર થવાની સાથે રોગચાળો ત્રાટકવાની ભીતિ સેવાઈ રહી છે.
અમદાવાદ જિલ્લા ગ્રામ્યના દેત્રોજની શિવ શક્તિ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગટરનું ગંદુ પાણી રહેણાંક વિસ્તાર સુધી આવી જતા લોકોને ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહીં, જો આ સ્થિતિ યથાવત રહેશે તો લોકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં અનેક સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તાલુકા સ્તરના આગેવાનો પણ વસવાટ કરે છે, તેમ છતાં સામાન્ય લોકો જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી. જેના કારણે લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. માત્ર શિવ શક્તિ સોસાયટી જ નહીં, પરંતુ દેત્રોજના ઠાકોરવાસ, દલિતવાસ, ગાયત્રીનગર સહિતના વિસ્તારોમાં પણ ગટર ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે. અનેક સ્થળોએ ગટરનું પાણી ખુલ્લેઆમ વહેતું રહે છે અને દિવસો સુધી સફાઈ ન થતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ગંદકીના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક અગ્રણીઓ પી. કે. ઠાકોર સહિતના રહેવાસીઓનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા માત્ર ખાતરી આપવામાં આવે છે, પરંતુ સ્થળ પર કાયમી કામગીરી થતી નથી. ગટર લાઈનોની યોગ્ય સફાઈ, જર્જરિત લાઈનોનું સમારકામ અને ગંદા પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ગ્રામજનોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવે, ગટર લાઈનોની સફાઈ કરાવવામાં આવે, પીવાના પાણીના સેમ્પલની તપાસ કરવામાં આવે અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. લોકોમાં હવે એવો સવાલ ઉઠી રહ્યો છે કે સ્વચ્છતા અભિયાન અને લોકોના આરોગ્યની વાતો વચ્ચે દેત્રોજ જેવા ગામમાં બે મહિનાથી ગટરનું પાણી કેમ રસ્તા પર વહે છે? જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા જવાબદાર તંત્ર સામે ઉચ્ચકક્ષાએ ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી આપી છે.










