શ્રદ્ધા,ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન આસો સુદ-9ના પવિત્ર દિવસે તા.19 ઓક્ટોબરના રોજ અમદાવાદ જિલ્લામાં દેત્રોજ તાલુકાના બામરોલી ગામે વર્ષો જુની પરંપરા અને ધાર્મિક આસ્થાના પ્રતિમ સમાન મહાકાળી માતાજીની પવિત્ર પલ્લી ભરવાનો ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. પરંપરાગત રીતરીવાજો અને માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધા સાથે યોજાયેલા આ પાવન પ્રસંગે સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. મહાકાળી માતાજીની પલ્લી ભરવાની વર્ષો જુની પરંપરાને નિહાળવા અને માતાજીના દર્શનનો લાભ લેવા બામરોલી ગામ સહિત આસપાસના ગામો અને દુરદુરથી હજારોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડયાં અને માતાજીની પલ્લીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષ અને ભક્તિભાવથી ગુંજી ઉઠયું હતું. આ વર્ષની પલ્લી ભરવાનો લ્હાવો નારોલા અને મોયણ ગામના ઝાલા ભાઈઓને મળ્યો હતો. આ ધાર્મિક પરંપરા માત્ર એક ઉત્સવ નહીં પરંતુ પેઢી દર પેઢીથી ચાલી આવતી શ્રદ્ધા,સંસ્કૃતિ અને લોકઆસ્થાનું જીવંત પ્રતીક બની રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો