માંડલ તાલુકાના વિઠલાપુર ગામથી બહુચરાજી તરફ જતાં હાઈવે ઉપર આવેલા પીકઅપ સ્ટેન્ડ પાસે વીજ સલામતીનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. વરસાદી માહોલ વચ્ચે રસ્તા ઉપર ભરાયેલાં પાણીમાં ખુલ્લો વીજ વાયર પડયો હોવાની સાથે નજીકમાં વીજપોલ પણ નમી ગયેલ હોવાથી જોખમી હાલતમાં ઉભો છે. આ સ્થિતીને લઈ સ્થાનિકોમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પીકઅપ સ્ટેન્ડ પર દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો,કર્મચારીઓ,વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર રહેતી હોય છે. વરસાદી પાણીની અંદર દેખાતો ખુલ્લો વીજવાયર હોવાના કારણે કોઈ અજાણ વ્યક્તિ તેના સંપર્કમાં આવે તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે. બીજી તરફ નમી ગયેલો વીજપોલ કોઈપણ સસમયે ધરાશાયી થવાની શક્યતાઓ હોવાથી સમગ્ર વિસ્તાર અકસ્માતના ભય હેઠળ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, યુ.જી.વી.સી.એલ દ્વારા નિરિક્ષણ અને સમયસર જાળવણી કરવામાં ના આવતાં આવી જોખમી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. લોકોનું કહેવું છે કે, અનેક વખત રજુઆતો કરવા છતાં હજુ સુધી સ્થળ ઉપર કોઈ અસરકારક કાર્યવાહી જોવા મળી નથી. ત્યારે રોડ-રસ્તાઓ ઉપર આવતાં જતાં રાહદારીઓ,વાહનચાલકો અને સ્થાનિકોના જીવને જોખમ હોઈ તાત્કાલિક આ વીજપોલની ગુણવત્તાને તપાસી,નીરીક્ષણ કરી તેને બદલવો જોઈએ અને પાણીથી દુર હોવો જોઈએ, પાણીમાં વાયરો ખુલ્લાં છે તેને દુર કરી વીજ વિભાગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા હાલ લોકોની માંગણી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો