માંડલ : અષાઢ માસની પુર્ણિમાથી લઈ શ્રાવણ સુદ-15 એટલે કે રક્ષાબંધનના પાવન પર્વ સુધી રાજ્યના કૃષ્ણ મંદિરોમાં હજારો વર્ષની પરંપરા અનુસાર હિંડોળા મહોત્સવ ઉજવવામાં આવે છે. આ એક મહિનો હિંડોળા મહોત્સવ પુર્ણ થાય ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ એટલે કે, જન્માષ્ટમીની ઉજવણી પણ ગ્રામ્યના કૃષ્ણ મંદિરો, રામજી મંદિરોમાં પણ થતી હોય છે. અમદાવાદ ગ્રામ્યના માંડલ અને ત્યારે માંડલના રાધાજી મંદિરમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ હિંડોળા મહોત્સવ જામ્યો છે. દરરોજ ભગવાનના હિંડોળાને વિવિધ વસ્તુઓથી સજાવવામાં આવે છે, હિંડોળાને પુષ્પો, ફરાળી વસ્તુઓ, મીઠાઈઓ, શૈક્ષણિક કીટ, કટલરીની વસ્તુઓ, વાઘા-વસ્ત્રો, ચલણી નોટો, સ્ટીલની ડીશો,આઈટમો સહિતની વસ્તુઓથી ભગવાન ઠાકરના હિંડોળાને સુશોભિત કરાય છે. બહેનો દરરોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન મંદિરોમાં ભજન-કિર્તનની રમઝટ બોલાવે છે. ભગવાન શ્રીકૃષ્ણના ભજનો નાગર નંદજીના લાલ, ગોપાલ મારો પારણીયે ઝુલે રે સહિતના કિર્તનોથી બહેનોનું ભક્તિ મંડળ શ્રીકૃષ્ણના રંગે રંગાયુ છે. હિંડોળાની વસ્તુઓ ભજન-કિર્તન અને આરતી બાદ આવેલ ભક્તોને પ્રસાદમાં અપાય છે. નગરના રાધાજી મંદિર, સ્વામિનારાયણ મંદિર તેમજ ચુંવાળ પંથકમાં પણ હિંડોળા મનોરથમાં બહેનો ઝુમી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો