ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યત્વે 14 માંગણીઓ સહિત ફરી એકવાર સરકાર સામે બાંયો ચડાવવામાં આવી છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓ, તાલુકાના મહેસુલી, રેવન્યુ કર્મચારીઓ છેલ્લાં 3 દિવસથી હડતાળ ઉપર ઉતર્યા છે. તા.6ના રોજ કર્મચારી મહા મંડળના નિર્દેશને અનુસરીને માંડલ મામલતદાર કચેરીના મહેસુલી, ઈધરા, પુરવઠા, મધ્યાહન ભોજન શાખા સહિતના નાયબ મામલતદારો, રેવન્યુ તલાટીઓ અને કારકુનો સહિતના કર્મચારીઓ દ્વારા પેનડાઉન દિવસ જાહેર કરાયો હતો અને 7મી ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે. મુખ્યત્વે પ્રશ્નોમાં નાયબ મામલતદારોની સીનીયારીટી જાહેર કરવી, રેવન્યુ તલાટીને વિભાગ સિવાયના અન્ય કામોનું ભારણ હટાવવું, વિવિધ ભથ્થામાં વધારો કરવો આવા 14 જેટલાં વિવિધ મુદ્દાઓને લઈ અમદાવાદ ગ્રામ્યના કર્મીઓ પણ હડતાળ ઉપર ઉતર્યા છે. અમદાવાદની માંડલ મામલતદાર કચેરીના કર્મીઓ પણ હડતાળ ઉપર જતાં સ્થાનિક અરજદારો, ખેડુતો અને વકીલોના નોંધ, જમીનોના કામો સહિતના મહેસુલી કામો અટક્યાં છે. મામલતદાર કચેરીઓમાં નાયબ મામલતદારો, રેવન્યુ તલાટીઓ સહિતના કર્મચારીઓની ચેમ્બરો ખાલી જોવા મળી રહી છે, અરજદારો પણ કામ લઈને આવતાં હોય તેમને પણ ધક્કો પડી રહ્યો છે. તાલુકા ગ્રામ્યના અરજદારો,વકીલો પણ હાલ કર્મચારીઓની હડતાળથી તેમના જમીન,નોંધ અન્ય કામકાજોમાં રૂકાવટ આવતાં તેઓ ત્રાહિમામ પોકારી ગયાં છે.
