વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ અવેરનેસ વીકની ઉજવણી તા.18મીથી 24મી નવેમ્બર એટલે કે, એક સપ્તાહ આ ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાની આરોગ્ય શાખાઓમાં પણ તબક્કાવાર ઉજવણી કરવાનું આયોજન અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલ છે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના વિશેષ માર્ગદર્શન હેઠળ એન્ટિમાઈક્રોબિયલ અવેરનેસ વીકની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ એન્ટિમાઈક્રોબિયલ રેઝિન્ટન્સ (એ.એમ.આર) અંગે જનજાગૃતિ ફેલાવવાનો તથા એન્ટિબાયોટિક દવાઓનો યોગ્ય અને જવાબદારીપુર્વક ઉપયોગને લઈ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાનો હતો. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી, માઈક્રોબાયોજિસ્ટની ટીમ દ્વારા પણ ઉદ્દબોધન અને પોસ્ટ પ્રેઝન્ટેશન અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એન્ટિબાયોટિક દવાઓનો બિનજરૂરી ઉપયોગ ટાળવા, ડોક્ટરોની સલાહ મુજબ દવાઓ લેવી, હાથની સ્વચ્છતા જાળવવા અને ચેપ નિયંત્રણના મહત્વ અંગે સમજ અપાઈ હતી. કાર્યક્રમના અંતમાં એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ સામે હાજર રહેલ ફાર્માસિસ્ટ સમુહ અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા સામુહિક પ્રયાસો હાથ ધરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ છે. આ સાથે ચાલો, ભવિષ્યની પેઢી માટે એન્ટિમાઈક્રોબિયલ દવાઓની અસરકારકતા જાળવીએ, જનજાગૃત્તિ ફેલાવીએ તેના સુત્રને પણ લોકો વચ્ચે મુકવામાં આવ્યું હતું.
