માંડવીમાં નિર્માણ પામી રહેલા રિવરફ્રન્ટ (ફેઝ-2)ની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થઈ હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અખબારી અહેવાલોને ગંભીરતાથી લઈને પ્રાદેશિક ધારાસભ્ય કુંવરજી હળપતિએ રિવરફ્રન્ટના નિર્માણ સ્થળની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ તપાસ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન અને એન્જિનિયર સહિત કોન્ટ્રાક્ટરને પણ સ્થળ પર હાજર રાખવામાં આવ્યા હતા. ધારાસભ્યએ સ્થળ પર ચાલી રહેલા બાંધકામનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં જ અનેક ક્ષતિઓ સામે આવી છે. તેમણે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટની રક્ષણાત્મક દીવાલનું લાઈન-લેવલ જળવાયું નથી અને તે તદ્દન ત્રાંસી બનાવવામાં આવી છે.
આ ઉપરાંત, બાંધકામમાં વપરાયેલા પથ્થરો પણ ગુણવત્તાવિહીન અને કાચા છે. ઘણા પથ્થરો સફેદ અને નબળી કક્ષાનો માલસામાન છે,જે લાંબા ગાળે પાણીના પ્રવાહ સામે ટકી શકે તેમ નથી. ધારાસભ્યએ આ નબળા પથ્થરોને તાત્કાલિક અસરથી દૂર કરવા અને દીવાલનું નવેસરથી મજબૂત બાંધકામ કરવા એન્જિનિયર સ્પષ્ટ આદેશ આપ્યા છે.










