અંધાત્રી(માંડવી): જુલાઈમાં આવેલા ભારે વરસાદ અને વિનાશક પૂરના કારણે માંડવી તાલુકાના માલધા (જૂના માલધા) ગામના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પૂરમાં નદીના ધસમસતા પ્રવાહના કારણે ખેતીવાડી વિસ્તારમાં વીજળી પૂરી પાડતી લાઇનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સિંચાઈ અને ખેતીના કામકાજને માઠી અસર પહોંચી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નદીમાં પૂરના પાણીના જોરદાર પ્રવાહને લીધે માલધા ગામ તરફ્ જતી ખેતીવાડી વીજલાઇનના બે મુખ્ય વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા છે. થાંભલાઓ ધરાશાયી થવાના પરિણામે આખા ખેતીવાડી વિસ્તારનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. વીજળીના અભાવે હાલમાં ખેડૂતો માટે પિયત કરવું અને અન્ય જરૂરી કૃષિ કાર્યો કરવા અશક્ય બની ગયા છે.
?આ વિકટ સમસ્યાના સત્વરે ઉકેલ માટે સ્થાનિક જાગૃત ખેડૂત જમનાભાઈ કોટવાલભાઈ ચૌધરીએ માંડવી જી.ઈ.બી. (GEB) કચેરીનો સંપર્ક સાધ્યો છે. તેમણે નાયબ કાર્યપાલક ઈજનેરને આ મામલે એક વિસ્તૃત લેખિત રજૂઆત સોંપીને પરિસ્થિતિનો ચિતાર આપ્યો છે. પૂરના કારણે વીજલાઇન અને થાંભલાઓ ધરાશાયી થવાથી ખેતીવાડીના તમામ કામો ઠપ થઈ ગયા છે. ઊભા પાકને બચાવવા અને સિંચાઈ માટે વીજ પુરવઠો સત્વરે ચાલુ થાય તે અત્યંત આવશ્યક છે.
સમગ્ર માલધા ગામના ગ્રામજનો અને અસરગ્રસ્ત ખેડૂતોએ વીજ વિભાગ પાસે ભારપૂર્વક માંગ કરી છે કે આ ક્ષતિગ્રસ્ત ખેતીવાડી વીજલાઇનનું તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવામાં આવે. જો વહેલી તકે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં નહીં આવે તો ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો