માંડવીના દેવગઢ ગામના અંધારવાડી ફળિયામાં રવિવારે 'નાંદરવા દેવ'ની પૂજા પરંપરાગત રીતે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામજનોએ સામૂહિક વૃક્ષારોપણ કર્યુ હતું. આદિવાસી સંસ્કૃતિમાં પ્રકૃતિના દરેક તત્ત્વને પૂજનીય માનવામાં આવે છે. ચોમાસાના પ્રથમ વરસાદ બાદ ધરતી પર જે નવું ઘાસ કુદરતી રીતે ઉગી નીકળે છે, તેને સ્થાનિક પરંપરામાં નાંદુરવ કહેવાય છે. પેઢીઓથી ગ્રામજનો આ નવા ઘાસને દેવ સ્વરૂપે પૂજે છે. આ નવું ઘાસ પશુઓ માટે વિપુલ ચારો, ખેડૂતો માટે સમૃદ્ધ પાક અને સમગ્ર પંથક માટે સુખ-સમૃદ્ધિ લાવશે તેવા પાકા વિશ્વાસ સાથે આ ધાર્મિક વિધિ કરવામાં આવે છે. આ પૂજા-અર્ચના દરમિયાન વર્ષભર સારો વરસાદ પડે, ખેતીવાડીમાં મબલખ પાક ઉતરે અને સમગ્ર ગામનું પશુધન તેમજ પરિવારો તંદુરસ્ત રહે તેવી સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે જ પરંપરાગત વનઔષધિઓનું પણ પૂજન કરાયું હતું, જેથી પશુઓ રોગમુક્ત રહે. આ મહોત્સવની વિશેષતા એ રહી કે પૂજા સંપન્ન થયા બાદ ગામના વડીલો અને યુવાનોએ સાથે મળીને મોટાપાયે વૃક્ષારોપણ કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો