અંધાત્રી(માંડવી) : માંડવી વિસ્તારની કામધેનુ સમાન ધી માંડવી નાગરિક સહકારી બેંક લિ.ની 55મી વાર્ષિક સાધારણ સભા માંડવી ખાતે આવેલી પૂનમવાડીમાં યોજાઈ હતી. આ સભામાં રજૂ કરાયેલા એજન્ડાનાં તમામ કામો સભાસદો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બેંકના ઇન્ચાર્જ ચેરમેન સ્નેહલકુમાર ટી. મોઢેરાએ જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2025-26 ના અંતે બેંક દ્વારા કુલ રૂ. 211.84 કરોડનો બિઝનેસ કરવામાં આવ્યો છે, ગત વર્ષની સરખામણીમાં બેંકની ડિપોઝીટમાં 8.39 ટકા અને ધિરાણમાં 11.97 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. બેંકે આ વર્ષે રૂપિયા 1.03 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. જેથી સભાસદોને 12 ટકા ડિવિડન્ડ અને નિયમિત હપ્તા ભરનાર સભાસદોને 2 ટકા વ્યાજ રિબેટ ચૂકવવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત, રિઝર્વ બેંક ઓફ્ ઇન્ડિયાના સર્ક્યુલર અને ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ 1961, 1965 મુજબ પેટાકાયદામાં સુધારા-વધારા તથા ચૂંટણી નિયમો અંગે પણ વાર્ષિક અહેવાલમાં રજૂઆત કરી તેને મંજૂર કરવા ભલામણ કરવામાં આવી હતી. સાધારણ સભામાં બેંકનાં મેનેજીંગ ડિરેક્ટર વિજયચંદ્ર એમ. પાઠક, બોર્ડ ઓફ્ ડિરેક્ટર્સ, બેંકના સીઈઓ આશુતોષ ઊપાધ્યાય, કર્મચારીઓ, સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
