અરેઠ તાલુકાના વદેશિયા ગામમાં જાહેર સુવિધા સમાન બસ સ્ટેશનનું નિર્માણ કાર્ય લાંબા સમયથી અટવાયેલું પડયું હોવાથી ગ્રામજનોમાં તંત્ર સામે ભારે નારાજગી પ્રવર્તી રહી છે. આ ગંભીર પ્રશ્ને વદેશિયા ગ્રામ પંચાયત દ્વારા માંડવી પ્રાંત અધિકારી અને અરેઠ મામલતદારને વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. ગ્રામ પંચાયતની રજૂઆત અનુસાર, બસ સ્ટેશનની નજીક આવેલા એક પેટ્રોલ પંપના માલિક દ્વારા કરવામાં આવી રહેલા વિરોધને કારણે જાહેર હિતનું આ કામ અટકી પડયું છે. કોઈ એક ખાનગી વ્યક્તિના વિરોધ સામે સમગ્ર ગામની પાયાની સુવિધા અટવાઈ જાય તે બાબતે પંચાયતે વહીવટી તંત્ર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. બીજી તરફ્, આ જ પેટ્રોલ પંપ પાસેની ગટર વ્યવસ્થા અત્યંત નાની અને અપૂરતી હોવાથી ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. પરિણામે, ગામના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જાય છે અને ઘણીવાર રસ્તો સંપૂર્ણપણે બંધ થવાની નોબત આવે છે, જેનાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. હાલમાં શાળાઓ શરૂ થવાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓમાં વધુ વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. બસ સ્ટેશનના અભાવે ગામના વિદ્યાર્થીઓ અને મુસાફરોએ ધોમધખતા તડકામાં ખુલ્લામાં ઊભા રહીને બસની રાહ જોવી પડે છે. વિદ્યાર્થીઓની સલામતી અને ગ્રામજનોની સુવિધાને ધ્યાનમાં રાખીને બસ સ્ટેશનનું નિર્માણ તાકીદે શરૂ કરાવવું અનિવાર્ય બની ગયું છે. આ મામલે વદેશિયાના સરપંચ મિતલભાઈ વિલાસભાઈ ચૌધરીએ તંત્ર સમક્ષ સ્પષ્ટ માંગ મૂકીછે કે બસ સ્ટેશનના કામમાં નડતરરૂપ અવરોધો તાત્કાલિક દૂર કરવામાં આવે. સાથે જ ગટર વ્યવસ્થાની સ્થળ તપાસ કરીને પૂરતી ક્ષમતાની નવી ગટર બનાવી વરસાદી પાણીના નિકાલનો કાયમી ઉકેલ લાવવામાં આવે. સરપંચે વધુમાં ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર માત્ર આશ્વાસનો આપવાને બદલે સમયમર્યાદામાં નક્કર કામગીરી નહીં કરે, તો ગ્રામજનોના હિતમાં ગ્રામ પંચાયતના નેજા હેઠળ આંદોલન કરવાની ફરજ પડશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો