અંધાત્રી(માંડવી): માંડવી પંથકના ફેદરીયા ચોકડીથી ઉકાઈ તરફ્ જતા શેરુલા રોડ પર બંને બાજુએ વિશાળ વૃક્ષો સુકાઈને નમી ગયા છે. આ સુકાયેલા ઝાડ અને તેની ડાળીઓ ગમે ત્યારે તૂટીને વાહનચાલક પર પડે તેવી સંભાવના છે

આ મુખ્ય માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં દ્વિચક્રી વાહનો, નાના-મોટા ફોર-વ્હીલર અને મુસાફરો પસાર થાય છે. ચોમાસાની ચાલુ ઋતુમાં ભારે પવન અને વરસાદના કારણે આ જોખમી વૃક્ષો ધરાશાયી થવાની પૂરેપૂરી શક્યતા છે. જો કોઈ ચાલુ વાહને આ વૃક્ષો કે તેની મોટી ડાળીઓ નીચે પડે, તો મોટો પ્રાણઘાતક અકસ્માત સર્જાઈ શકે છે. તેવો ભય વાહનચાલકોમાં જોવા મળી રહ્યો છે. કોઈ અપ્રિય ઘટના કે જાનહાનિ થાય તે પહેલાં જ સંબંધિત વન વિભાગ અને માર્ગ-મકાન તંત્ર તુરંત જાગીને આ જોખમી સુકાયેલા વૃક્ષોનું સમયસર ટ્રીમિંગ કરે અથવા તેને દૂર કરી રસ્તો સલામત બનાવે તેવી સ્થાનિક લોકમાગણી ઉઠી છે.