માંડવીના ગોડસંબા ગામમાં આવેલી કુમાર શાળાની તદ્દન નવી બનેલી દીવાલ વરસાદી પાણીના પ્રવાહ સામે ટકી ન શકતા ધરાશાયી થઈ ગઈ છે, જેના પગલે સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાને લીધે આમલી ડેમ ઓવરફ્લો થયો હતો. જેનું પાણી ગોડધા ડેમમાંછોડવામાં આવતા ડેમમાં પાણીનો આવરો ક્ષમતા કરતાં વધી ગયો હતો અને ડેમને પણ નુકસાન પહોંચ્યું હતું. પરિણામે, વરેહ નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવાની ફરજ પડી હતી. નદીના પાણી આસપાસના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં ફરી વળ્યા હતા. ગોડસંબા ગામમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાતા પાણીના ભારે દબાણ અને સતત વરસાદને કારણે કુમાર શાળાની નવી નિર્માણ પામેલી દીવાલ જમીનદોસ્ત થઈ ગઈ હતી. સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ સરકારી મિલકતને મોટું નુકસાન પહોંચ્યું છે. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવી જ બનેલી દીવાલ આ રીતે તૂટી પડતા સ્થાનિકોએ નવનિર્મિત દીવાલના બાંધકામમાં હલકી કક્ષાની સામગ્રી વાપરી લાખો રૂપિયાની ગેરરીતિ કોન્ટ્રાક્ટરે કર્યાના આક્ષેપો કરી આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. દીવાલના બાંધકામમાં કયા પ્રકારની સામગ્રી વપરાઈ હતી તેનું ચેકિંગ કરવામાં આવે અને જો ગેરરીતિ સાબિત થાય તો કસૂરવાર કોન્ટ્રાક્ટર તેમજ આંખ આડા કાન કરતા સંબંધિત અધિકારીઓ સામે કડકમાં કડક કાયદાકીય પગલાં લેવાની લોકોની માંગ છે.
