માંડવી નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની લાઈનોમાં અત્યંત દૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવતા સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠયો છે. શહેરમાં વિતરિત થતું આ પાણી પીવા તો દૂર, પરંતુ રોજિંદા ઘરકામમાં પણ ઉપયોગમાં લઈ શકાય તેમ ન હોવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, શહેરમાં નાખવામાં આવેલી વર્ષો જૂની ગટર લાઈનોમાં લીકેજ હોવાને કારણે ગટરનું ગંદુ પાણી પીવાના પાણીની લાઈનોમાં ભળી રહ્યું છે. ચોમાસાની ઋતુમાં આવા પ્રદૂષિત પાણીના સેવનથી કમળો, ટાઈફોઈડ અને કોલેરા જેવી ગંભીર જળજન્ય બીમારીઓ ફેલાવાનો ખતરો ઊભો થયો છે. આ ગંભીર બાબતે નાગરિકો દ્વારા નગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

પાલિકાની આ લાપરવાહીથી કંટાળીને હવે નગરના યુવાનો અને અગ્રણીઓ વિરોધ પ્રદર્શન કરવા અને તંત્ર પર દબાણ લાવવા માટે રણનીતિ ઘડી રહ્યા છે. પ્રભાવિત વિસ્તારોના જાગૃત નાગરિકોની ઉગ્ર માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે પાણીની લાઈનોનું ચેકિંગ કરી લીકેજની સમસ્યા દૂર કરે. વધુમાં, જ્યાંસુધી પાઈપલાઈનનું સમારકામ ન થાય અને શુદ્ધ પાણીનું વિતરણ રાબેતા મુજબ શરૂ ન થાય ત્યાં સુધી લોકોને ટેન્કર મારફ્તે પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો સત્વરે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થાય તેવી પૂરી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો