માંડવી તાલુકાના કોસાડી ગામે ભૂસ્તર વિભાગની અવારનવાર પડતી રેડ વચ્ચે પણ બે નંબરનો રેતીનો વેપાર બેરોકટોક ધમધમી રહ્યો છે. આ દરમિયાન ખાણ ખનીજ તંત્રએ કોસાડી ખાતે તાપી નદીના તટ પર ત્રાટકીને પાઇપ લંબાવી ગેરકાયદે રેતી ઉલેચતી 1 નાવડીઓ કબજે કરી છે. મળતી માહિતી મુજબ, અહીં છેલ્લા બાર મહિનાથી ખનીજ ચોરીનો સિલસિલો અવિરત ચાલી રહ્યો હતો. ખનનકર્તાઓએ ઊભા બેરલ અને પ્લાસ્ટિકની થેલીઓ ગોઠવીને અંદાજે 200 મેટ્રિક ટન રેતી સમાઈ શકે તેવો મસમોટો ચટ્ટો (પ્લેટફોર્મ) પણ ઊભો કરી દીધો હતો. કોસાડીમાં છેલ્લા એક વર્ષથી કોના છૂપા આશીર્વાદ અને ઇશારે આ ગેરકાયદે રેતી-ગ્રાવલનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, તે એક મોટો સવાલ છે. અવારનવારની કાર્યવાહી છતાં ખનીજ ચોરી ન અટકતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોની માંગ છે કે સ્થળ પર રહેલા પાઈપો, રેતી ચાળવાનો ચારણો, બેરલો સહિત નાવડી જપ્ત કરીને ખનન માફ્યિાઓને આકરો દંડ ફ્ટકારવામાં આવે. જો આ પ્રકરણમાં યોગ્ય દંડ નહીં વસૂલાય, તો ગ્રામજનોએ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી ઉગ્ર આંદોલન છેડવાની તૈયારી દર્શાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો