માંડવી નગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે બનાવાયેલા જાહેર શૌચાલયો યોગ્ય જાળવણીના અભાવે સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગયા છે. પ્રજાના કરવેરાના કરોડો રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલી આ સુવિધાઓ સફાઈ અને પાણી વિના ધૂળ ફાંકી રહી છે.

માંડવીના મુખ્ય વિસ્તારો પૈકી ધોબણીનાકા અને મહિલા શોપિંગ સેન્ટર પાસે આવેલા શૌચાલયોની હાલત અત્યંત જર્જરિત છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી આ શૌચાલયો માવજત વિના ખંડેર બની ગયા છે. પાણીની ટાંકીઓ ખાલી છે અને પાછળના ભાગે જામેલા ગંદકીના સામ્રાજ્યને કારણે આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે. બૌધાનિયા દરવાજા તેમજ શહેરના અન્ય વોર્ડ વિસ્તારોમાં પણ શૌચાલયોની સ્થિતિ સમાન છે. તંત્ર વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ જમીની હકીકત સાવ વિપરીત છે. નાગરિકો અને સામાજિક આગેવાનોની વારંવારની રજૂઆતો છતાં નગરપાલિકા તંત્ર કોઈ જ નક્કર પગલાં ભરી રહ્યું નથી.

સ્થાનિક નાગરિકોમાં એવી ઉગ્ર ચર્ચા જાગી છે કે પાલિકાના સત્તાધીશોને જૂની સુવિધાઓની જાળવણી કે મરામત પાછળ નાણાં ફાળવવામાં કોઈ આર્થિક રસ નથી. જો તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય સર્વે કરીને આ શૌચાલયોની સફાઈ, મરામત અને પાણીની કાયમી વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ગંભીર બીમારીઓ ફેલાવાની શકયતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો