અંધાત્રી (માંડવી) : સુરત જિલ્લાના માંડવી તાલુકાના મોરીઠા ગામના લોકો હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામની સીમમાં કાલીબેલ વિસ્તાર પાસે વરહે નદી પર આવેલો મહત્વપૂર્ણ કોઝવે તૂટી જવાના કારણે વાહનવ્યવહાર અને લોકોની અવરજવર બંધ થઈ છે. આ આ સમસ્યાને લઈને મોરીઠા ગામના સરપંચ કમલેશ ચૌધરીએ માર્ઘ અને મકાન (પંચાયત) વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. કોઝવે તૂટી જતાં ખેડૂતો માટે સ્થિતિ કફોડી બની છે, કારણ કે તેઓ પોતાના ખેતરો સુધી ટ્રેક્ટર, બળદષાડા કે ખેતપેદાશો લઈને જઈ શકતા નથી, જેનાથી ખેતીની કામગીરી સાવ ઠપ્પ થઈ ગઈ છે. આ ઉપરાંત, શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓને પણ સમયસર અને સુરક્ષિત રીતે પહોંચવામાં ભારે અગવડતા પડી રહી છે, જેની સીધી અસર તેમના શિક્ષણ પર જોવા મળી રહી છે. બીમારી કે ઇમરજન્સીના સમયે ગામના લોકોને તાલુકા મથકે કે હોસ્પિટલ પહોંચવા માટેનો આ મુખ્ય રસ્તો પ્રભાવિત થયો હોવાથી આરોગ્યલક્ષી સુવિધાઓ મેળવવામાં પણ અડચણ ઊભી થઈ છે. સરપંચે તંત્રને સ્થળ નિરીક્ષણ કરી વરહે નદી પરના આ કોઝવેની સત્વરે મરામત અથવા નવું બાંધકામ શરૂ કરવાની માંગ કરી છે.
