માંડવી તાલુકામાં હાઈવે નંબર 56 માટે ચાલી રહેલી જમીન સંપાદનની પ્રક્રિયા સામે સ્થાનિક ખેડૂતોનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. તાલુકાના સરકુઈ ગામે પ્રશાસનની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા ડ્રોન સર્વેનો ગ્રામજનો અને ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ સર્વેની કામગીરી સ્થળ પર જ અટકાવી દઈને અધિકારીઓના સાધનો પોતાના કબજે લઈ લીધા હતા. માંડવી તાલુકાના ખેડૂતો લાંબા સમયથી હાઈવે નંબર 56 માટેના જમીન સંપાદનને ગેરકાયદેસર ગણાવીને તેનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન પ્રશાસનની ટીમ સરકુઈ ગામે ડ્રોન વડે સર્વે કરવા માટે પહોંચી હતી. આ અંગેની જાણ થતા જ ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. ઉશ્કેરાયેલા ખેડૂતોએ સર્વેની કામગીરી બંધ કરાવી હતી અને ટીમ પાસે રહેલા લેપટોપ તેમજ ડ્રોનના રિમોટ સહિતના ઉપકરણો કબજે કરી લીધા હતા. ઘટનાને પગલે સ્થળ પર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન ગામના અગ્રણીઓએ હાઈવે ઓથોરિટીના અધિકારી સંજય શર્મા સાથે મોબાઈલ ફોન પર વાતચીત કરી હતી અને જમીન સંપાદન સામે ખેડૂતોની નારાજગી તથા ઉગ્ર લાગણીની રજૂઆત કરી હતી. બાદમાં સ્થાનિક પ્રશાસન અનેખેડૂતો વચ્ચે થયેલી સમજાવટ અને સંવાદને અંતે મામલો શાંત પડયો હતો. સમજાવટ બાદ ખેડૂતોએ કબજે લીધેલા લેપટોપ અને ડ્રોનના રિમોટ સહિતના તમામ સાધનો અધિકારીઓને પરત સોંપી દીધા હતા. જોકે, આ ઘટના બાદ ખેડૂતોએ પ્રશાસન સામે પોતાનું વલણ વધુ કડક બનાવતા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં પોતાનીમહામૂલી જમીન સંપાદન માટે આપશે નહીં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો