હરિયાલ ગામની સીમમાં આવેલી પ્લાયવુડ ઉત્પાદક કંપની 'કલર લેબ'માં આજે અચાનક ભયાનક આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીના ખુલ્લા પરિસરમાં રાખવામાં આવેલા બગાસના વિશાળ જથ્થામાં લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પવનની ગતિ તેજ હોવાના કારણે આગ આસપાસના વિસ્તારમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી, જેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા.


સ્થાનિક સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, કલર લેબ કંપનીમાં પ્લાયવુડના મેન્યુફેક્ચરિંગ માટે મોટા પ્રમાણમાં બગાસનો જથ્થો સ્ટોક કરીને રાખવામાં આવ્યો હતો. આજે અચાનક કોઈ અગમ્ય કારણોસર આ જથ્થામાં તણખો અડતાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં કંપનીના સત્તાધીશો અને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને કંટ્રોલ રૂમ પર જાણ કરવામાં આવી હતી.માહિતી મળતાં જ ફાયર ફાઈટરની ગાડીઓનો કાફ્લો ઘટનાસ્થળે ધસી ગયો હતો. ફાયર વિભાગના જવાનોએ આગને વધુ પ્રસરતી અટકાવવા માટે ચારેય તરફ્થી પાણીનો ભારે મારો ચલાવ્યો હતો. લાશ્કરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે હાલ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવાના સમાચાર નથી, જે મોટી રાહતની વાત છે. જોકે, આગના કારણે કંપનીના પરિસરમાં રાખેલો બગાસનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાથી ભારે આર્થિક નુકસાનની આશંકા સેવાઈ રહી છે. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ લાગી છે તે અંગે હાલ તંત્ર અને પોલીસ દ્વારા તપાસના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: