અંધાત્રી(માંડવી): 16મા નાણાપંચની નવી માર્ગદર્શિકા અંતર્ગત ગ્રામ પંચાયતોના વિકાસ કામોમાં ઊભી થતી અડચણોને લઈને બુધવારે અરેઠ અને માંડવી તાલુકાના સરપંચોએ માંડવીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ રજૂઆતમાં સરપંચોએ ગામડાઓના સુચારુ વિકાસ માટે વર્તમાન નિયમોમાં વ્યવહારિક ફેરફાર કરવાની માંગ કરી છે.

સરપંચોએ તેમના આવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતના દરેક ગામની ભૌગોલિક સ્થિતિ અને સ્થાનિક જરૂરિયાતો અલગ અલગ હોય છે. આથી, તમામ ગ્રામ પંચાયતો પર એકસમાન માર્ગદર્શિકા અને મર્યાદાઓ લાગુ કરવી એ યોગ્ય અભિગમ નથી. ખાસ કરીને રૂપિયા 6 લાખ સુધીનાં કામોની મર્યાદા,GeM પોર્ટલની ફરજિયાત પ્રક્રિયા અને e-GramSwaraj ની જટિલ વ્યવસ્થાના કારણે પંચાયતોના વિકાસ કામોમાં મોટો વિલંબ થઈ રહ્યો છે. નાની રકમના વિકાસ કામોમાં પણ વધારાની વહીવટી પ્રક્રિયાઓ,GST અને અન્ય ખર્ચાઓને લીધે પંચાયતો અને અંતે ગ્રામજનો પર બિનજરૂરી આર્થિક બોજ વધી રહ્યો છે.

આ સમસ્યાઓના ઉકેલ માટે સરપંચો દ્વારા સ્પષ્ટ માંગણીઓ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગ્રામસભાની વાસ્તવિક જરૂરિયાત અને જે તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયતોને વિકાસ કામો મંજૂર કરવાની વધુ સત્તા અને છૂટછાટ આપવી જોઈએ. આ ઉપરાંત, રૂપિયા 6 લાખની કામની મર્યાદા અંગે સરકાર દ્વારા તાત્કાલિક પુનર્વિચાર કરવામાં આવે અને GeM પોર્ટલ તેમજ e-GramSwarajની ઓનલાઈન પ્રક્રિયાઓને પંચાયત સ્તરે કાર્યરત લોકો માટે વધુ સરળ બનાવવામાં આવે. આ રજૂઆત દરમિયાન અરેઠ અને માંડવી તાલુકાના મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અમે કોઈપણ સરકારી નિયમોના વિરોધમાં નથી, પરંતુ આ જટિલ નિયમોની આંટીઘૂંટીના કારણે અમારા ગામનો વિકાસ કોઈપણ ભોગે અટકવો ન જોઈએ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો