અંધાત્રી-માંડવી : શ્રી અર્ચનમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા સંચાલિત માંડવી તાલુકાના બોરી (રાજપૂત) ગામની ભાવદર્શન વિદ્યાલયમાં સંસ્કૃત સાહિત્ય દિન ની ઉજવણી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર અને સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના ઉપક્રમે કરવામાં આવી હતી. વર્ગ સુશોભન વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત સાહિત્યની થીમ પર આધારિત ચાર્ટ્સ, બેનર્સ, પોસ્ટર્સ, કાગળના તોરણ અને રંગોળી દ્વારા સુંદર સજાવટ કરાયું. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓએ સંસ્કૃત સાહિત્યને લગતી ચિત્રસ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સંસ્કૃત સાહિત્યના પ્રદર્શનમાં ધા. 9થી 12ના વિદ્યાર્થીઓએ વૈદિક સાહિત્ય, સ્મૃતિ ગ્રંથો અને લૌકિક સાહિત્યમાં વિવિધ ગ્રંથો પ્રદર્શિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ જાતે બનાવેલ સુભાષિત સંગ્રહ, શ્લોક સંગ્રહ અને કાવ્ય સંગ્રહનું સમજૂતી સાથે પ્રદર્શન કર્યું સાથે સંસ્કૃત ભાષામાં લઘુ નાટિકા, સમૂહ કાવ્યગાન, સમૂહ સ્તોત્રગાન, એક્શન સોંગ અને વક્તવ્ય રજૂ કર્યા હતા. સંસ્કૃત શિક્ષકો અને આચાર્યએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું.
