માણસા તાલુકાના અનોડિયા ગામથી પ્રાંતિજને જોડત બ્રીજ ઉપર ફરી ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવાઈ છે. જેને પગલે સ્થાનિક ખેડૂતો અને નાગરિકો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. સલામતીના કારણોસર અગાઉ તંત્ર દ્વારા આ બ્રીજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે આસપાસના વિસ્તારના ખેડૂતો, વાહનચાલકો અને નાગરિકો દ્વારા બ્રિજ શરૂ કરવા માટે રજૂઆતો કરવામાં આવતાં બ્રીજના છેડે લગાવવામાં આવેલા લોખંડના ગડર હટાવી વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે ફરી એકવાર તંત્ર દ્વારા બ્રીજના છેડે લોખંડના ગડર લગાવી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માણસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને અનોડિયા બ્રીજ પ્રાંતિજ સાથે જોડતો મહત્વનો માર્ગ છે. ખાસ કરીને અનોડિયા અને આસપાસના ગામોના ખેડૂતો માટે પ્રાંતિજ નજીક પડતું હોવાથી ખેતપેદાશોના વેચાણ, ખેતીને લગતી વસ્તુઓની ખરીદી તેમજ અન્ય જરૂરી કામકાજ માટે આ માર્ગથી અવરજવર કરવામાં સરળતા રહે છે. આ માર્ગે ખેત પેદાશો લઈને જતાંખેડૂતોનો સમય અને વાહનના ઈંધણનો ખર્ચ પણ બચે છે. જોકે હવે બ્રિજ પર ફરી ભારે વાહનોની અવરજવર બંધ થતાં વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરીને લાંબું અંતર કાપવાની ફરજ પડી રહી છે. જેના કારણે સમય અને ખર્ચમાં વધારો થઈ જશે. અગાઉ સ્થાનિક લોકોની રજૂઆતો બાદ લોખંડના ગડર હટાવી બ્રીજ પરથી વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે ફરીથી ગડર લગાવી ભારે વાહનો માટે પ્રતિબંધ મુકી દેવાયો છે. બ્રીજની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તે આવકાર્ય છે, પરંતુ સાથે સાથે ખેડૂતો અને નાગરિકોને પડતી મુશ્કેલીઓનું પણ નિરાકરણ લવાય તેવી સ્થાનિકની માંગણી છે. જેમાં બ્રીજની સલામતી અંગે યોગ્ય તપાસ કરી, જરૂરી સમારકામ અથવા અન્ય તકેદારીનાં પગલાં સાથે આ માર્ગ પર અવરજવર સરળ બને તેવી વ્યવસ્થા કરવામાં સ્થાનિકોની માંગણી છે.
