કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે માણસા સહિત આસપાસના વિસ્તારોમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ અંતર્ગત માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલના હસ્તે ઈટલામાં રૂ. 1.40 કરોડ અને લિંબોદરામાં રૂ. 3.60 કરોડના ખર્ચે નિર્માણ પામેલા માર્ગોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ માર્ગો શરૂ થવાથી ગ્રામજનોને અવરજવરમાં વધુ સુવિધા મળશે. ઉજવણીના ભાગરૂપે માણસા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્ળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાંજરાપોળ ખાતે ગૌપૂજન કરી ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો હતો. તેમજ મા બહુચર માતાજીના મંદિરે પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને કુસુમબા અન્નક્ષેત્રમાં લોકોને ભોજન પીરસી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. બીજી તરફ્, ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રિવોલ્વિંગ ફ્ંડ, સ્ટાર્ટ-અપ ફ્ંડ, કેશ ક્રેડિટ લોન અને લખપતિ દીદી યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાઓના માધ્યમથી ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવી સ્વરોજગારની તકોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, માણસા તાલુકા તથા શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
