ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ મહુડી ખાતે કાળી ચૌદશના પવિત્ર અવસરે શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવનું વિશેષ પૂજન અને પરંપરાગત હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષમાં માત્ર એક જ વખત યોજાતી આ વિશેષ ધાર્મિક વિધિમાં ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં જૈન-જૈનેતર ભાવિક ભક્તો ઉમટી પડયા હતા. ભક્તોએ ભગવાન ઘંટાકર્ણ મહાવીરના દર્શન કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને મનોકામના પૂર્ણ થવાની ભાવના સાથે શ્રદ્ધાપૂર્વક હવનમાં આહુતિ અર્પણ કરી હતી. મહુડી તીર્થધામમાં કાળી ચૌદશના હવનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ રહેલું છે. ગઈકાલે બપોરે 12:39 કલાકે પરંપરાગત હવનનો પ્રારંભ થયો હતો. હવન દરમિયાન ૐ શ્રી ઘંટાકર્ણ મહાવીરાય નમઃ' મહામંત્રના 108 જાપ સાથે નાડાછડીમાં શ્રદ્ધાની ગાંઠ બાંધવાની અનોખી પરંપરામાં હજારો ભાવિકો જોડાયા હતા. હવનની પ્રક્ષાલન વિધિ અને આહુતિ સમયે થતા ઘંટનાદ વચ્ચે શ્રદ્ધાળુઓએ પોતાના હાથમાં રાખેલી લાલ નાડાછડીમાં ગાંઠો વાળી ભગવાન સમક્ષ મનોકામના વ્યક્ત કરી હતી. ધાર્મિક માન્યતા મુજબ 108 ગાંઠો બાંધવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તેવી શ્રદ્ધા હોવાથી આ પરંપરામાં જોડાવા માટે ભાવિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. હવન દરમિયાન મંદિર પરિસરમાં એક તરફ્ મંત્રોચ્ચાર અને ઘંટનાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું, તો બીજી તરફ્ હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ શાંતિ અને શિસ્ત સાથે ધાર્મિક વિધિમાં જોડાયા હતા. વર્ષમાં માત્ર એક જ વખત કાળી ચૌદશના દિવસે યોજાતા આ વિશેષ હવનમાં ભાગ લેવા માટે દૂરદૂરથી ભાવિકો મહુડી પહોંચ્યા હતા. મહુડી તીર્થધામમાં કાળી ચૌદશના દિવસે ભગવાન ઘંટાકર્ણ મહાવીર દેવનું વિશેષ કેસર પૂજન કરવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે, શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે વિક્રમ સંવત 1975 ના માગશર સુદ છઠ્ઠના દિવસે મહુડી ખાતે ભગવાન ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરી હતી. તે સમયથી નિર્ધારિત ધાર્મિક પરંપરા મુજબ વર્ષ દરમિયાન નિયમિત પૂજન ઉપરાંત કાળી ચૌદશના દિવસે વિશેષ કેસર પૂજન કરવામાં આવે છે. વહેલી સવારથી જ મહુડી તીર્થધામમાં ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતો. સવારે પદ્મપ્રભુ પ્રક્ષાલન પૂજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની પ્રક્ષાલન વિધિ શરૂ કરવામાં આવી હતી. ભગવાનને કેસરનો ચડાવો ચડાવવા ઉપરાંત ધૂપપૂજન, ફૂલપૂજન, મુગટપૂજન અને આભૂષણ પૂજન સહિતની વિશેષ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાનની દિવ્ય પ્રતિમા પર સોનાનો વરખ ચડાવી ભક્તોએ ભક્તિભાવપૂર્વક દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે જૈન સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ તથા ટ્રસ્ટીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિક ભક્તોને દર્શન અને ધાર્મિક વિધિ દરમિયાન કોઈ અગવડતા ન પડે તે માટે માણસા મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. સમગ્ર મહુડી તીર્થધામમાં કાળી ચૌદશના પાવન પર્વે આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
