માણસા તાલુકાના ચડાસણા ગામે ત્રિમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ત્રણ દિવસીય ધાર્મિક મહોત્સવ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા મંદિર પરિસર અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા કરવામાં આવતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ચડાસણામાં શ્રી રામજી મંદિરના જીર્ણોદ્ધાર અને પુનઃપ્રાણ પ્રતિષ્ઠા તેમજ શ્રી ઉમિયા માતાજી અને શ્રી રાધા-કૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં ગામના અગ્રણીઓ, દાતાઓ, યજમાનો, સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા. મહોત્સવના પ્રસંગે હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવેલી પુષ્પવર્ષા સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
