માણસા તાલુકામાં આરોગ્ય અને માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં બે મહત્વપૂર્ણ વિકાસકાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચરાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવીન 108 એમ્બ્યુલન્સ પોઇન્ટનો પ્રારંભ કરાયો છે. આ સાથે દેલવાડા ખાતે મોતીપુરાથી દેલવાડા સુધીના 90 લાખના ખર્ચે બનનારા ત્રણ કિલોમીટર માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલના હસ્તે એમ્બ્યુલન્સ પોઈન્ટ શરૂ કરવાનું અને ખાતમૂહૂર્ત કરાયું હતું. ચરાડા ખાતે 108 એમ્બ્યુલન્સ પોઇન્ટ શરૂ થવાથી ચરાડા અને આસપાસના વિસ્તારના નાગરિકોને કટોકટીના સમયે તાત્કાલિક આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે. અકસ્માત, ગંભીર બીમારી કે અન્ય ઇમરજન્સીની પરિસ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આ સુવિધા મહત્વપૂર્ણ સાબિત થશે. બીજી તરફ્ દેલવાડા ખાતે મોતીપુરાથી દેલવાડા સુધીના આશરે ત્રણ કિલોમીટર માર્ગનું 90 લાખના ખર્ચે નવનિર્માણ થશે. આ માર્ગ બનવાથી મોતીપુરા, દેલવાડા સહિત આસપાસનાં ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને રોજિંદી અવરજવર કરતા લોકોને મોટી રાહત મળશે. ગ્રામ્ય કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે મુસાફરીનો સમય અને પરિવહન ખર્ચ પણ ઘટશે.
