માણસા તાલુકાના અનોડીયા ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માણસા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ વ્યવસાયે વકીલ રમેશસિંહ સરતાનસિંહ રાઠોડના મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. અજાણ્યા તસ્કરો ઘરમાં ઘૂસીને 6.60 લાખની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. 

પ્રાપ્ત માહિતી મુજબ ડોડીપાળ ગામે રહેતાં રમેશસિંહ રાઠોડ ગઈકાલે માણસા ખાતે હતા, તે દરમિયાન બપોરના સમયે તેમનો પરિવાર મકાનને તાળું મારીને બહાર ગયો હતો. પરિવારજનોની ગેરહાજરીનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં ઘૂસેલા તસ્કરોએ બેઠક રૂમ તથા બેડરૂમમાં રાખેલો સામાન પણ વેરવિખેર કરી નાખ્યો હતો. બેડરૂમમાં મૂકેલા લાકડાના કબાટને નિશાન બનાવી તેના તાળાં તોડી નાખ્યાં હતાં. જેમાં કબાટમાં રાખેલી 6.60 લાખની રોકડ રકમ ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનામાં તસ્કરોએ પરિવારની ગેરહાજરીનો લાભ ઉઠાવી આયોજનબદ્ધ રીતે ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ્ પરિવારજનો ઘરે પરત ર્ફ્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું અને બેઠક રૂમ તેમજ બેડરૂમનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. આથી રમેશસિંહ રાઠોડ દ્વારા તાત્કાલિક આ સમગ્ર બનાવ અંગે માણસા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે માણસા પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા તસ્કરો સુધી પહોંચવા તપાસ હાથ ધરવામાં આવી છે. માણસા તાલુકાના ભાજપ પ્રમુખના ઘરે ધોળા દિવસે થયેલી ચોરીને પગલે આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો છે.