માણસા અને ગાંધીનગર તાલુકાને જોડતો સાદરા અને અલુવા પૂલના લોકાર્પણની ઘડીઓ ગણાય રહી છે. અંદાજે 60 કરોડના ખર્ચે આધુનિક ટેક્નોલોજીથી આ પૂલ બનાવવામાં આવ્યો છે. આ પૂલના લોકાર્પણની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે. આ પૂલના કારણે બંને તાલુકાના હજારો લોકોને સીધો ફાયદો થશે તેવું જણાવાય રહ્યું છે. એટલું જ નહિ 25 વર્ષથી લોકોની માંગ હતી જે હવે પૂર્ણ થવા જઈ રહી છે. આગામી 21 જુલાઈના રોજ મહત્વના આ પૂલનું લોકાર્પણ થનાર છે તેવા અહેવાલ સાંપડી રહ્યા છે.
ગાંધીનગર અને માણસા તાલુકાને જોડતો સાદરા - અલુવા પૂલ બનીને તૈયાર થઈ ગયો છે. બે તાલુકાઓને જોડતો આ પૂલ ખૂલ્લો મૂકાશે તે સાથે જ હજારો લોકોને રાહત થશે. કારણકે હાલમાં વાહનચાલકોને અંદાજે 25 કિમી લાંબુ અંતર કાપવું પડી રહ્યું છે. પરંતુ આ પૂલના લોકાર્પણથી આટલું લાંબુ અંતર કાપવું નહી પડે. જેના કારણે સમય અને ઈંધણની બચત થશે. પરિવહન ખર્ચમાં નોંધનીય ઘટાડો થશે. દૈનિક અવરજવર સરળ બનશે. છેલ્લા ઘણા સમયથી આ પૂલના લોકાર્પણને લઈને અનેક સવાલો ઉઠયા હતા. આ પૂલ શરૂ થવાથી દહેગામ, માણસા, ચિલોડા, કપડવંજ, સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તાર વચ્ચેનું અંતર પણ ઘટી જશે. વિદ્યાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો અને રોજિંદા અવરજવર કરતાં લોકો માટે આ પૂલ અત્યંત લાભદાયી સાબિત થશે. ચોમાસા પૂર્વે પૂલના લોકાર્પણની માંગ હતી. કારણકે લોકો 25 થી 30 કિમી લાંબુ ચક્કર ન કાપવું પડે તે માટે કાચા માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ચોમાસામાં આ કાચો રસ્તો જોખમી બની જાય છે. જેને લઈ ઝડપથી હવે આ પૂલને ખૂલ્લો મૂકવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા.
