અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલ રેલ્લાવાડા - કુણોલ રોડ પર કુણોલ ગામ નજીક ગઈકાલે રાત્રિના અરસામાં એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા કારચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.


 મેઘરજમાં કાર ઝાડ સાથે અથડાતા 1નું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત એટલો ગંભીર હતો કે કાર રોડ પરથી નીચે ઉતરીને સીધી ઝાડ સાથે ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ગાડીનો સંપૂર્ણપણે ભૂક્કો થઈ ગયો હતો અને ગાડી સંપૂર્ણ ડેમેજ થઈ ગઈ હતી. મૃતક કારચાલકની ઓળખ રણાસણ ગામના રહેવાસી, અરજીતભાઇ રમણભાઈ (ઉંમર આશરે 50 વર્ષ) તરીકે થઈ છે, જેઓ વ્યવસાયિક ધંધો ધરાવતા હતા. આ અકસ્માતમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

અકસ્માતમાં કારચાલકનું ઘટનાસ્થળે મોત

અકસ્માતની જાણ થતાની સાથે જ ઇસરી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકની લાશનો કબ્જો લઈ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે.પોલીસે હાલમાં અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ ડ્રાઈવરે કોઈક કારણોસર કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક જ વ્યક્તિનું આ રીતે અકસ્માતમાં મોત થતાં રણાસણ ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.

આ પણ વાંચો: પાદરાના સરસવણી ગામે રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા દહેશત, જીવદયા ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું


  • Follow us on: