મેઘરજ તાલુકા પંચાયતના હાલના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે કોંગ્રેસના બે સભ્યોએ પક્ષાંતર ધારા હેઠળ કરેલ અરજીની સુનાવણી ગત તા.22મી જુલાઈના રોજ ગાંધીનગર ખાતે થઈ હતી, જેમાં વકીલે સમય માગતાં આ કેસની સુનાવણી માટે તા.05-08-2026ની મુદત આપવામાં આવી છે.

આ કેસની હકીકત એવી છે કે, મેઘરજ તાલુકામાં ચાલુ વર્ષે યોજાયેલ સ્વાયત સંસ્થાની ચૂંટણીમાં મેઘરજ તાલુકા પંચાયતમાં કુલ 22 બેઠકો પૈકી કોંગ્રેસને 11 અને ભાજપને 10 બેઠકો મળી હતી જયારે એક સભ્ય અપક્ષ ચૂંટાયા હતા. પરંતુ ગત મે માસમાં યોજાયેલ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી સમયે મેઘરજ તાલુકાની પંચાલ બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલ ભરતભાઈ નાનજીભાઈ ખાંટ અને જામગઢની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટાયેલ અરવીંદભાઈ અમરાભાઈ ખરાડીએ પક્ષપલટો કરી ભાજપમાં જોડાઈને પ્રમુખ અને ઉપપ્રમુખનો હોદ્દો મેળવી લેતાં તાલુકા પંચાયતમાં ભાજપને સત્તા મળેલ હતી. પરંતુ આ બાબતે કોંગ્રેસમાંથી ચુંટાયેલ પક્ષાંતર કરેલ બન્ને સભ્યો સામે કોંગ્રેસના તાલુકા પંચાયતના બે સભ્યો જયંતીલાલ અસારી અને ઉમેદભાઈ અસારીએ આ પક્ષપલટો કરેલ બન્ને સભ્યોને સભ્ય પદેથી પક્ષાંતર ધારા 1986ની કલમ-3 હેઠળ દૂર કરવા ગાંધીનગરમાં ગત તા.26મી જૂલાઈના રોજ વિવાદ અરજી દાખલ કરી હતી જેના અનુસંધાને ગુજરાત રાજયના નામોદિષ્ટ અધિકારીની કચેરી દ્વારા આ પક્ષાંતર કરેલ બન્ને સભ્યોને સુનાવણી માટે તા.રરમી જુલાઈની નોટિસ આપવામાં આવી હતી, જેમાં તા.રરમી જુલાઈના રોજ સુનાવણી થતાં પ ઓગસ્ટની મુદત આપવામાં આવી હતી.