અરવલ્લી જિલ્લા SOG પોલીસે ગત સોમવારના રોજ મેઘરજ તાલુકામાં પેટ્રોલીંગમાં હતી અને પોલીસ તાલુકાના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારના વાઘપુર ગામ તરફ હતી તે સમયે પોલીસને બાતમી મળી હતી કે, વાઘપુર ગામ નજીક આવેલ જીવણપુર ટાંડા ગામે એક બોગસ ડિગ્રી વગરનો તબીબ છેલ્લા 4 વર્ષથી પ્રેકટીસ કરી રહ્યો છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહયો છે. બાતમી મળતાં જ એસ.ઓ.જી પોલીસે નજીકના કસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી મેડિકલ ઓફિસર શરણ.આર.પટેલને બોલાવી સાથે રાખી જીવણપુર ટાંડા ગામે બોગસ તબીબના દવાખાને રેડ કરી હતી.
પોલીસે દવાખાને જઈ જોયુ તો દવાખાનામાં એલોપોથી દવાઓ તથા મેડિકલને લગતાં કેટલાંક સાધનો પણ જોવા મળ્યા હતા. પોલીસે બોગસ તબીબનું નામ પૂછતાં પોતાનું નામ અશોક કુંવરભાઈ વણજારા (મૂળ રહે, સવગઢ છાવણી,તા.ઈડર) હોવાનું જણાવ્યુ હતુ. તેની અભ્યાસ લાયકાત પૂછતાં પોતે એમ.એ. હોવાનું જણાવ્યુ હતુ. અને છેલ્લા ચાર વર્ષથી મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે સાથે આવેલ મેડિકલ ઓફિસરની મદદ લઈ દવાખાનામાંથી એલોપોથી દવાઓ તથા મેડિકલને લગતાં સાધનો કબજે લઈ બોગસ તબીબ અશોક કુવરભાઈ વણજારા સામે ધી ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટીશ એકટ 1963 ની કલમ-30 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
