મેઘરજ તાલુકામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ મહેર કરી છે. તાલુકામાં એક રાતમાં 2 ઈંચ જેટલો વરસાદ પડી જતાં તાલુકામાં ચારે કોર પાણી જ પાણી થઈ ગયાં છે. ત્યારે તાલુકાના રેલ્લાવાડા ગામમાં જતાં જ મોડાસાથી આવતા માર્ગ ઉપર પાણી ભરાતાં આ રસ્તો જ તળાવ બની ગયો છે અને કંઈક રાહદારીઓ તથા વાહનચાલકો પાણીમાં ઢબુકા ખાઈ રહ્યા છે. તાલુકાના રેલ્લાવાડા ગામમાં મોડાસાથી આવતા પ્રવેશ માર્ગે થઈને આ વિસ્તારના 25 જેટલા ગામોના લોકો મોડાસા તરફથી આવે ત્યારે આ રસ્તેથી આવતા હોય છે. આ માર્ગ ઉપર ચોમાસામાં પડતા વરસાદી પાણીનો કોઈ યોગ્ય નિકાલ ન હોવાના કારણે દર વર્ષે ચોમાસામાં વરસાદ પડતાં પાણી ભરાઈ જાય છે અને લગભગ 500 મીટર જેટલા વિસ્તારમાં તળાવ બની જાય છે. રેલ્લાવાડા ગામમાં અવતા વાહનોને ફરજીયાત ગાડીના ટાયર ડુબે તેટલા પાણીમાં જઈને પસાર થવુ પડે છે જયારે રાહદારીઓ તો જઈ શકતા જ નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ દર વર્ષે ભરાતા આ પાણીના નિકાલ માટે તંત્રને પણ જાણ કરેલી છે પરંતુ દર વર્ષે ચોમાસુ આવે છે અને પરીસ્થિતીમાં કોઈ ફરક પડતો નથી. ચોમાસાના ભરાતા પાણીના કારણે રસ્તો પણ તુટી જાય છે પરંતુ રસ્તાના સમારકામ માટે તો તંત્ર ખડે પગે હોય છે અને ચોમાસુ પુરૂ થતાં રસ્તાના સમારકામના નામે લાખો રૂપીયા ખર્ચાઈ જશે. પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નહીં થાય અને બીજા વર્ષે ચોમાસુ આવતાં આ જ હાલત જોવા મળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો