નવરાત્રિની નવલી રાતો શરૂ થઈ ગઈ છે. લોકો માતાજીની ભક્તિના રંગે રંગાઈ રહ્યા છે. ગામડાઓમાં તેમજ શહેરોમાં મંડપ બાંધી મોડી રાત સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે. સમયની સાથે -સાથે ગરબાઓની પેટન પણ બદલાઈ રહી છે પરંતુ આજે પણ મેઘરજ તાલુકાના કેટલાયે ગામડાઓમાં ભજન મંડળીઓ કરી નરગાંના નાદે નવરાત્રિ મનાવવાની પરંપરા ચાલે છે. નવરાત્રિમાં નરગાંના નાદે ભજન મંડળીઓ મનાવવા માટે મેઘરજમાં નરગાં બાંધનારની દુકાને લાઈનો લાગવા માંડી છે. ગુજરાતની ગરબી સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. નવરાત્રિના દિવસોમાં ગુજરાતના શહેરોમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રિ ધામધૂમથી મનાવાય છે અને મોડી રાત સુધી ડી.જે.ના તાલે ખેલૈયા ગરબે ઘૂમે છે. શહેરોમાં તો સંગીત પાર્ટીઓ બોલાવવામાં આવે છે જયારે ગામડાઓમાં બેન્ડના સંગીતથી ગાયકો ગરબાની ધૂમ મચાવે છે. નવરાત્રિના ગરબામાં આવેલ પ્રાચીનતાની અસર આજે પણ મેઘરજ તાલુકાના કેટલાક ગામડાઓમાં જોવા મળતી નથી. આજે મેઘરજ તાલુકામાં ઉંડાણના ઘણા ગામડાઓ છે કે, જયાં માતાજીની નવરાત્રિ શેરી ગરબાથી મનાવાય છે. ગામમાં ઘણા લોકોને માનતાનો ગરબો હોય છે કે, ઘણા માઈભકતો શોખનો ગરબો પણ મુકતા હોય છે અને આ ગરબાઓમાં પણ ગામની બહેનો અવનવા વેશભૂષા સાથે નરગાંના તાલે ગરબા ગાતી હોય છે. જ્યારે આજે પણ આ ગામડાઓમાં નરગાંના નાદે ભજન મંડળીઓ રાખી મોડી રાત સુધી માતાજીની ભક્તિ કરવામાં આવે છે. નવરાત્રિ આવતાં જ મેઘરજમાં નરગા નવેસરથી બાંધવા માટે નરગા બાંધનારની દુકાને લાઈન લાગે છે. મેઘરજ તાલુકાના કેટલાયે ગામડાઓ આજે પણ છૂટી છવાઈ વસ્તી ધરાવે છે. આ ગામડાઓમાં નવરાત્રિની રાત્રીએ ફળીયાના ભાઈઓ તથા બહેનો એક જગાએ ભેગા થાય છે અને માતાજીનો ફોટો મુકી પાથરણાં પાથરી ભજન મંડળીની રમઝટ બોલાવે છે. રાત્રીના પવનના સુસવાટાની સાથે સાથે આ નરગાંના નાદ અને ભજનો દૂર દૂર સુધી સંભળાય છે. રાજસ્થાનની સરહદે આવેલ ગુજરાતના આ છેવાડા મેઘરજ તાલુકામાં દરેક તહેવારો આજે પણ ભાતીગળ રીતે મનાવાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો