અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા છે. ખાસ કરીને મેઘરજના પહાડીયા અને રેલ્યો પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાતા રવિ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ખેતીપાક પર જોખમ
અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજે 80 હજાર હેક્ટર જમીનમાં રવિ સીઝનનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ ખેતરોમાં ઘઉં, બટાકા અને ચણા જેવા પાકો તૈયાર થવાની અવસ્થામાં છે, ત્યારે જ અચાનક પડેલા માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે, જેનાથી ઘઉં અને બટાકાના પાકમાં ફૂગજન્ય રોગો અને જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા છે.
