મહેસાણાના લાડોલ ગામમાં ઉત્તરાયણના દિવસે રામાપીર ચોક પાસે પતંગ ચગાવવા અને પેચ કાપવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ હિંસક વળાંક લીધો હતો અને બંને જૂથોના લોકો જીવલેણ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા.
જીવલેણ હુમલો અને લોહિયાળ દ્રશ્યો
આ બબાલ દરમિયાન એક પક્ષ દ્વારા બીજા પક્ષ પર લોખંડની પાઈપ અને તીક્ષ્ણ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ જાનથી મારી નાખવાના ઈરાદા સાથે એક યુવકના પેટમાં છરીના ઘા ઝીંકી દીધા હતા, જ્યારે અન્ય એક યુવકના માથામાં લોખંડની પાઈપ ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ લોહિયાળ સંઘર્ષને પગલે ગામમાં ભાગદોડ મચી ગઈ હતી અને તહેવારનો આનંદ તણાવમાં ફેરવાઈ ગયો હતો.










