બહુચરાજી વિધાનસભા વિસ્તારના મગુના ગામથી વાયા મોટપ ચોકડી થઈ મહેસાણા સુધીની લાંબા સમયથી માંગણી રહેલી નવી સીટી બસ સેવાનો બુધવારે શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહેસાણા મહાનગરપાલિકા સમક્ષ થયેલી રજૂઆતના પગલે આ નવી બસ સેવા શરૂ થતાં મગુના સહિત રૂટ પર આવેલા અનેક ગામોના લોકોમાં હર્ષ અને આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
નવી શરૂ કરાયેલી બસ સેવાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ગ્રામજનોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી આ રૂટ પર જાહેર પરિવહનની પૂરતી સુવિધા ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે મગુનાથી મહેસાણા સુધીની સીટી બસ સેવા શરૂ થતાં રોજિંદા અવરજવર સરળ બનશે, સમય અને ખર્ચ બંનેમાં બચત થશે.










