મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પાછલા ત્રણ મહિનામાં સૌથી ઓછી ઓપીડી એપ્રિલ મહિનામાં નોંધાવા પામી છે. એપ્રિલ મહિનામાં 31,348 ઓપીડી નોંધાવા પામી હતી.ત્યારે એપ્રિલ માસમાં એક જ મહિનામાં નોંધાયેલ કુલ ઓપીડીમાં 45 ટકાથી વધારે જનરલ ઓપીડી અને ટ્રોમા સેન્ટરમાં દર્દીઓએ સારવાર મેળવી હતી.મહેસાણા શહેર સહિત પંથકમાં ઉનાળાની ગરમી અને સતત બદલાઈ રહેલા વાતાવરણને કારણે શરદી, તાવ, વાયરલ ફીવર સહિત રોગચાળાને લઈ દર્દીઓનો ધસારો જોવા મળ્યો હતો. મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે એપ્રિલ મહિનામાં 31,348 જેટલા દર્દીઓ ઓપીડીમાં નોંધાયા છે. તેમાં આયુર્વેદિક સારવાર 141 દર્દીઓ દ્વારા લેવામાં આવી છે. દાંતના રોગના 1,387 અને નાક,કાન, ગળાના રોગના 1,797 દર્દીઓ નોંધાયા હતા. જનરલ ઓપીડીની સંખ્યા 7,574 નોંધાઇ છે. ગયા માર્ચ મહિનામાં 34,282 જેટલા દર્દીઓ ઓપીડીમા નોંધાયા છે. તેમાં આયુર્વેદિકની સારવાર 142 દર્દીઓ દ્વારા લેવાઈ છે. દાંતના રોગોના 1,469 અને નાક,કાન, ગળાના દર્દીઓ 2,121 તો જનરલ ઓપીડીની સંખ્યા 8,412 નોંધાઈ છે. ડાયાબિટીસના 2,162 સહિત અન્ય રોગોના મળી કુલ 34,282 દર્દીઓ નોંધાયા છે. ઉનાળાની આકરી ગરમી તેમજ વાતાવરણમાં થતા સતત બદલાવને પગલે વાયરલ સહિત બિમારીએ માથું ઉંચકતા મહેસાણા સિવિલમાં દર્દીઓનો સામાન્ય ધસારો જોવા મળ્યો હતો. દરમિયાનમાં, મહેસાણા સિવિલમાં માર્ચ મહિના કરતા એપ્રિલ મહિનામાં બાળ રોગના દર્દીઓની ઓપીડીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચ મહિનામાં 1,237 બાળરોગના દર્દીઓ નોંધાયા હતા. તો એપ્રિલ મહિનામાં બાળરોગની 978 ઓપીડી નોંધાવા પામી હતી.
