ઊંઝા-મહેસાણા હાઇવે પર આવેલા ઉનાવા પાસે એક કાળજું કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી લગ્ન પ્રસંગ માણીને અમદાવાદ પરત ફરી રહેલા એક પરિવારની ઇકો કાર બેકાબૂ બની ડિવાઇડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પરિવારના 4 સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે કાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.


લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના પાલી (ભાવનગર) ના વતની અને હાલ અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા કુમાવત પરિવારના સભ્યો રાજસ્થાનમાં એક લગ્ન પ્રસંગ પતાવીને પોતાની ઇકો કારમાં અમદાવાદ પરત ફરી રહ્યા હતા. ઉનાવા પાસે પહોંચતા જ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પૂરપાટ ઝડપે રોડની વચ્ચે આવેલા ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ અકસ્માતમાં મૃતકોની યાદી

આ અકસ્માતમાં 2 પુરુષ, 1 સ્ત્રી અને 1 માસૂમ બાળક સહિત કુલ 4 લોકોના મોત થયા છે. રામલાલ લખાજી કુમાવત, કૈલાશભાઈ રામલાલ કુમાવત, કોમલ મદનલાલ કુમાવત, એક બાળક નો સમાવેશ થાય છે.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ ઉનાવા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઇવે પર સર્જાયેલા આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેને પોલીસે હળવો કરાવ્યો હતો. એક હસતા-રમતા પરિવારે ઘરના આંગણે પહોંચતા પહેલા જ કાળનો કોળિયો બની જતાં રામોલ અને વતન પાલીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: Kutch: પધ્ધર 4 કરોડ દારૂ કેસમાં રેન્જ આઈજીની લાલ આંખ, PI અને PSI સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ


  • Follow us on: