વિજયનગરમાં રવિવારે બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે મહેસાણામાં બે, કડી અને વિસનગરમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. વિજયનગરમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકી પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ઉપરવાસમાંથી નદીમાં નવા નીર આવતા વિજયનગર, ઈડર મુખ્ય માર્ગના સારોલી સામતેલા વચ્ચેનું ડાયવર્ઝ તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.મહેસાણામાં સાંજે ૬ થી ૮ ના ગાળામાં ધોધમાર ૫૦ મીમી એટલે કે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.જ્યારે કડી અને વિસનગર તાલુકામાં પણ પાછલા ૨૪ કલાક દરમિયાન મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.જ્યાં કડીમાં ૩૪ મીમી તો વિસનગરમાં ૩૧ મીમી વરસાદ નોંધાયો હતો.જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો,ઊંઝામાં અડધો ઇંચ જેટલો તો વડનગરમાં ૧૦ મીમી, સતલાસણામાં ૯ મીમી વરસાદ નોંધાયો હતો.જોટાણામાં ૮ મીમી તો ખેરાલુમાં પણ ૩ મીમી જેટલો હળવો વરસાદ પડયો હતો.મહેસાણા જિલ્લામાં સીઝનના કુલ વરસાદની દ્રષ્ટિએ કડી તાલુકો ૪૬૪ મીમી વરસાદ સાથે સૌથી આગળ છે.જ્યારે વિજાપુરમાં ૧૪૯ મીમી, સતલાસણામાં ૧૩૪ મીમી અને જોટાણામાં ૧૨૮ મીમી કુલ વરસાદ થઈ ચૂક્યો છે.વડનગરમાં અત્યાર સુધી સૌથી ઓછો ૨૫ મીમી વરસાદ નોંધાયો છે. મહેસાણામાં દીવાલ પડતા બાળકનું મોત નિપજતા ભારે અરેરાટી સાથે આઘાત છવાયો હતો. ૫ વર્ષનો બાળક રવિવારે મોડી સાંજે તેના દાદાને મળીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે હૈદરીચોક રોડ પર તાલુકા પંચાયત સામે આવેલા કબ્રસ્તાનની પાછળની આશરે પાંચેક ફૂટ ઊંચી દીવાલ અચાનક વરસાદના કારણે તૂટી પડતા બાળક દબાઈ ગયો હતો. આ દીવાલ પડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયો હતો. જો કે,હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. માસૂમ બાળકના મોતથી ગમગીની છવાઈ હતી.વડનગર, મહેસાણા,કડી વિજાપુરમાં સારો વરસાદ નોંધાવા સાથે વીજળી પડવાના બનાવ પણ બન્યા છે.ત્યારે અત્યાર સુધી વીજળી પડતા ૯ પશુના મોત જિલ્લામાં નોંધાઈ ચુક્યા છે. વિસનગરમાં રવિવારે ૩૧ મીમી વરસાદ થયો હતો. દાંતીવાડા, પાંથાવાડાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયો છે. તાલુકાના આકોલી ગામે વીજળી પડતાં ગાયનું મોત થયું હતું.
