ગુજરાત રાજ્યમાં નળ સરોવર, વઢવાણા વેટલેન્ડ, થોળ તળાવ, ખીજડીયા વન્યજીવ અભયારણ્ય અને નડાબેટ વિસ્તારમાં વેટલેન્ડ્સની જાળવણી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલમાં આજે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી. એન. રેની ખંડપીઠે ફરી એકવાર રાજ્યમાં ઇકો-સેન્સิตિવ ઝોન, અભયારણ્યો અને વેટલેન્ડ્સની જાળવણી મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને આજે થોળ તળાવ ખાતે આવતા પ્રવાસીઓને બોટમાં જમવાનું કે નાસ્તો નહીં લઈ જવા પર પ્રતિબંધ લાદવા રાજ્ય સરકાર અને સત્તાવાળાઓને કડક તાકીદ કરી હતી. હાઇકોર્ટે વેટલેન્ડ્સની જાળવણી અને સરકાર દ્વારા લેવાયેલા પગલાં તથા હાથ ધરાયેલી કામગીરી અંગેની વિગતો સોગંદનામા પર રજૂ કરવા જણાવ્યું હતું.

આજે કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે થોળ તળાવની જાળવણી સહિતના મુદ્દે પૃચ્છા કરી હતી, જેમાં સરકારપક્ષ તરફ્થી જણાવાયું હતું કે, થોળ તળાવ ખાતે આવતા પ્રવાસીઓ માટે પ્લાસ્ટિકની બોટલો લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જો કે, ચીફ્ જસ્ટિસે જણાવ્યું કે, થોળ તળાવ ખાતે આવતા પ્રવાસીઓને બોટમાં જમવાનું લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકો. આજુબાજુના વિસ્તારમાં લોકો પ્રવાસીઓને જમવાની સુવિધા પૂરી પાડે તેમાં વાંધો નથી પરંતુ તે પણ ઇકો-સેન્સિટિવ ઝોનમાં ના હોવી જોઈએ. દરમિયાન જીપીસીબીએ પણ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, થોળ તળાવ વેટલેન્ડ ઝોનમાં મંજૂરી વગર ચાલતા બે ઔદ્યોગિક એકમોને બંધ કરી દેવાયા છે. વેટલેન્ડ્સની જાળવણી મુદ્દે હાઇ-પાવર કમિટીની પણ રચના થઈ ચૂક્યા છે અને તેના દ્વારા પણ કામગીરીની સમીક્ષા થઈ રહી છે.