લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ-અલગ ગામોમાં રાત્રિ દરમિયાન ખેતરોના બોર ઉપરથી થતી કેબલ વાયર ચોરીના વણઉકેલાયેલા 7 ગુનાઓનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે કેબલ ચોરી કરતી ટોળકીના ચાર શખ્સોને ચોરીના વાયર, બે મોટરસાયકલ અને મોબાઈલ સહિત કુલ રૂ.2.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

લાંઘણજ પોલીસ સ્ટાફ્ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીના આધારે આંબલિયાસણથી બાલિયાસણ જવાના રસ્તા પાસે આવેલ ચરામાંથી કેબલ વાયર છોલી રહેલા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી લેવાયા હતા. જેમાં અંકિત નિકુલભાઈ દંતાણી (રહે. આંબલિયાસણ), રોનક મુકેશભાઈ રાવળ (રહે. ધોળાસણ), અભિષેક ઉર્ફે અભુ ગોપાળભાઈ દંતાણી (રહે. આંબલિયાસણ) અને વિજયજી ઉર્ફે ડીંગો કરશનજી ઠાકોર (રહે. આંબલિયાસણ)ની અટકાયત કરવામાં આવી હતી. રઆરોપીઓની પૂછપરછમાં તેઓએ ધોળાસણ, શંકરપુરા અને ખદલપુર ગામના ખેતરોમાંથી કેબલ વાયર કાપ્યા હોવાની કબૂલાત કરી હતી. પકડાયેલ તમામ આરોપીઓ પાસેથી જમીનમાં દાટેલા અને છોલેલા કેબલવાયર તથા તાંબાનો ભંગાર (કિંમત રૂ.1.50 લાખ), બજાજ પલ્સર અને યામાહા ફેઝર મોટરસાયકલ - 2 (કિંમત રૂ.1 લાખ ), ત્રણ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન (કિંમત રૂ.15,000) અને વાયર કાપવા માટે વપરાતી કટર અને બ્લેડ સહિત 2.65 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.