મહેસાણા જિલ્લાના નાગરિકોને શુધ્ધ, સ્વચ્છ અને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વારા ઓગસ્ટ 2026 દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાદ્યપદાર્થોના સ્ટોલ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફૂડ રેપિંગ માટે ન્યૂઝ પેપરનો ઉપયોગ કરતા હોવાનું માલૂમ પડતાં માધવ રેસ્ટોરન્ટ ફ્તેપુરા બાયપાસ, માલગુડી ફૂડ ઈન ફ્તેપુરા બાયપાસ, મહેસાણાના બે પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફૂડ અધિકારી વિપુલ જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, આ બંને પેઢીઓ દ્વારા ફૂડ રેપિંગ માટે ન્યૂઝ પેપરનો ઉપયોગ કરાતો હોઈ ધી ફૂડ સેફ્ટી લાયસન્સ, રજીસ્ટ્રેશન શીડયુલ-4ના પેરા 2.8.4 મુજબનો ભંગ થયો છે. આથી કલમ-58 મુજબ રૂ.2 લાખ સુધીના દંડની શિક્ષાને પાત્ર ગુનો બનતો હોઈ તેમજ વગર પરવાને ધંધો કરવા બદલ કલમ-31 મુજબ તેઓની સામે એડજ્યુડીકેટીંગ કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ન્યૂઝ પેપરમાં વાપરવામાં આવતી શાહીમાં નાઈટ્રોસેલ્યુલોઝ, મિનરલ ઓઈલ, ડાયઝ, સીસુ (Lead) અને ભારે ધાતુઓ જેવા નુકસાનકારક રસાયણો હોય છે. ગરમ ખોરાકના સંપર્કમાં આવતા જ આ કેમિકલ ખોરાકમાં ભળી જાય છે, જે શરીરમાં જવાથી વિવિધ અંગોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. તંત્ર દ્વારા ન્યૂઝ પેપરના સ્થાને ફૂડ ગ્રેડ પેપર તેમજ કન્ટેનરનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો