બહુચરાજી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. બહુચરાજીમાં 55 મિ.મી. (2 ઇંચથી વધુ) વરસાદ નોંધાતા સુકાઈ રહેલા ખરીફ્ પાકોને જીવતદાન મળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાઈ જતાં ખેતરોમાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું હતું અને કપાસ, બાજરી, અળદ, મગ સહિતના પાકો સુકાવાની સ્થિતિમાં આવી ગયા હતા. આવા સમયે પડેલા વરસાદથી ખેડૂતોને મોટી રાહત મળી છે.

વરસાદના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધતાં પાકની વૃદ્ધિને વેગ મળવાની આશા છે. આગામી દિવસોમાં પણ સારો અને નિયમિત વરસાદ થાય તો ખરીફ્ પાકનું ઉત્પાદન સારું રહેવાની ખેડૂતો આશા રાખી રહ્યા છે. મોંઘા બિયારણ, ખાતર અને દવાનો ખર્ચ કર્યા બાદ વરસાદ ખેંચાતા ચિંતિત બનેલા ખેડૂતોના ચહેરા પર હવે ખુશી જોવા મળી રહી છે.

ગરમી અને ઉકળાટમાંથી લોકોને પણ રાહત મળી

લાંબા સમયથી ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને પણ વરસાદથી રાહત મળી હતી. વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી ત્રસ્ત લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો. આમ, બહુચરાજી પંથકમાં પડેલો વરસાદ ખેડૂતો માટે પાક બચાવનારો બન્યો છે, જ્યારે શહેરમાં પાણી ભરાવાથી હાલાકી પણ સર્જાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો