ઐતિહાસિક અને પૌરાણિક ધરોહર સમાન મોઢેરાના વિશ્વવિખ્યાત સૂર્યમંદિરના પટાંગણમાં શ્રાવણ મહિનાના અંતિમ દિવસે પરંપરાગત ભાતીગળ અમાસનો મેળો યોજાયો હતો. વહેલી સવારથી જ આસપાસનાં ગામો ઉપરાંત દૂરદૂરથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અને મેળારસિકો ઉમટી પડતાં સમગ્ર મોઢેરા આસ્થા, શ્રાદ્ધા અને લોકમેળાના રંગે રંગાયું હતું.
મેળામાં આવેલા ભાવિકોએ સૌપ્રથમ મોઢેરાના ઐતિહાસિક રામકુંડમાં સ્નાન કરી પવિત્રતા અનુભવી હતી. ત્યારબાદ રામકુંડની આસપાસ આવેલા શિવમંદિરોમાં દર્શન કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી. અનેક ભાવિકો હાથમાં ધજા લઈને તેમજ ભગવાન શિવનું નામસ્મરણ કરતાં મંદિરો તરફ્ જતા જોવા મળ્યા હતા.
મોઢેરા સૂર્યમંદિરની અદભૂત સ્થાપત્યકલા અને કલાત્મક કોતરણી મેળામાં આવેલા લોકો માટે વિશેષ આકર્ષણ બની હતી. મંદિરની દિવાલો અને સ્તંભો પર કંડારાયેલા રામાયણ, મહાભારત તથા શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિવિધ પ્રસંગો નિહાળી ભાવિકોએ ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક પરંપરાનો પરિચય મેળવ્યો હતો. પથ્થરમાં કંડારાયેલી આ કલાત્મક કૃતિઓ પ્રાચીન કથાઓને આજે પણ જીવંત કરતી હોય તેવો અનુભવ મુલાકાતીઓને થયો હતો. મેળાને લઈને મોઢેરા ગ્રામ પંચાયત દ્વારા પણ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના સરપંચના જણાવ્યા મુજબ, મેળામાં આવતા ભાવિકોને કોઈ અગવડ ન પડે તે માટે સફાઈ, પીવાના પાણી અને પાર્કિંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટતાં વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પણ તકેદારી રાખવામાં આવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો