મહેસાણા-અમદાવાદ હાઈવે પર મેવડ ટોલનાકા નજીક અચાનક શ્વાન (કૂતરું) આડે આવી જતાં કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અક્સ્માત સર્જાયો હતો. કાર રસ્તા નીચે ઉતરી ઝાડ સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત સસરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે પુત્રવધૂએ પોતાના જ કારચાલક પતિ વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મળતી વિગતો અનુસાર, વડોદરાના ભાયલી ખાતે રહેતો પ્રજાપતિ પરિવાર ગત તા. 15 ઓગસ્ટના રોજ અલ્ટો કાર (નંબરઃ GJ-06-EQ-3349) લઈને મહેસાણાના કામલી ગામે દર્શનાર્થે આવ્યો હતો. દર્શન કરી 16 ઓગસ્ટના રોજ બપોરે પરિવાર પરત વડોદરા જઈ રહ્યો હતો ત્યારે મહેસાણા મેવડ ટોલનાકા પસાર કર્યા બાદ અમદાવાદ હાઈવે પર કાર આગળ અચાનક કૂતરું આવી ગયું હતું. જેથી કાર ચાલક પ્રદિપભાઈ પ્રજાપતિએ સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તાની નીચે ઉતરીને ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ફરિયાદી પીંકલબેન, તેમના પતિ પ્રદિપભાઈ, સાસુ મંજુલાબેન, સસરા કનુભાઈ અને અઢી વર્ષના પુત્ર હેતાંશ સહિતના તમામને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત સસરા કનુભાઈ પ્રભુદાસ પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રવધૂ પીંકલબેન પ્રજાપતિની ફરિયાદના આધારે મહેસાણા તાલુકા પોલીસે કારચાલક પ્રદિપભાઈ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
